અંધજન શિક્ષણ મંડળ

નમસ્કાર…

શરુ કરીએ અમારી સાત સુરોની સરગમ
સા રે ગા મા પ ધ નિ સા……!

નમસ્કાર
અંધજન શિક્ષણ મંડળ વતી હું મીત આપ સહુનું હાર્દિક સ્વાગત કરું છું.માણસ તરીકે આપણી જણસ કઈ? આ વાત વિચારતા એક જ શબ્દ,શબ્દ કહીએ એના કરતાં એક જ ભાવ પર વાત અટકી ગઈ.અને તે ભાવ એટલે સંવેદના
જો અંતરને શુધ્ધ કરતી પ્રાર્થના સાંભળી આંખો અશ્રુમય થાય તો તમે સંવેદનશીલ છો.
ફુલોના નાજુક સ્પર્શને જો તમે માણી શકતા હોવ તો તમે સંવેદનશીલ છો.
પવનમાં વાતા સંગીતને સાંભળી શકતા હોવ તો તમે સંવેદનશીલ છો.
તમે બીજાની આંખો બની આ સૃષ્ટિ એને બતાવી શકતા હોવ તો તમે સંવેદનશીલ છો.
અને આ સંવેદના અંહિ બેઠેલા દરેક વ્યક્તિ વિશેષમાં છે.આપ સહુનું તમામ બાળકો વતી હું ફરી સ્વાગત કરું છુ.અને રજુ કરું છુ
ફુલોના સહયોગથી કરીએ છીએ સ્વાગત
તમારાથી જ આ પળ સુશોભિત લાગત.

૦૧.
બાળપણનાં દિવસો કોને યાદ ન હોય? એમાં રમેશ પારેખની હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા એ રચના પર કેવા નાચતાં? મને તો આજે પંણ યાદ છે એવી માટીની ગંધ આવે યાદ રે હાલો ભેરુ ગામડે રે..! એ ગીતે જ અમારી અંદર માટીની સુગંધ ભરીને એ જ સુગંધ આજે અંહિ અમે સહુ આપ સાથે વ્હેંચવાના છીએ..

બાળક તરીકેનું અમારુ ભોળપણ એ જ છે અમારી મિરાત
લઈને આવ્યા છીએ આપ સહુ માટે પ્રભુની ભેટ સોગાદ..!

૦૨.
વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે !અને એમાં પણ જો આપણને ભીંજાવા કરતાં પલળવાની ઈચ્છા હોય તો? તો એક વાત જાણી લઈએ.વરસાદ આપણને માત્ર ભીંજવે છે જ્યારે પ્રિયતમ આપણને પ્રેમમાં પલાળે છે.આવનારી રચનામાં એક લાગણી છે એને તમે વિરહની લાગણી કહો કે ઈચ્છા.પણ આવા વરસાદની કામના બધાની હોય છે.

૦૩.
સંગીતના ત્રણ પરિમાણ છે. સ્વર, તાલ અને શબ્દ. અવાજની ફ્રિકવન્સીને આધારે ગેય સ્વરોને બાર સ્વરો અને અનેક સપ્તકોમાં વિહાર કરાવવાનું ગાયકનું પ્રથમ કર્તવ્ય છે. તાલ એને સમયના બંધનમાં બાંધી એમાં થોડી રમઝટ ઉત્પ્ન્ન કરે છે. તાલ અને સ્વરના આ સંગમમાં શબ્દ ઉમેરાવાથી સંગીતને અર્થ અને ઊર્મિ મળે છે.સંગીતનો સીધો સંબંધ માણસની પ્રેમમાં પડવાની વૃત્તિ સાથે છે આ વિધાન ન તો કોઇ સમાજશાસ્ત્રી ઠુકરાવી શકે છે અથવા ન તો કોઇ આઘ્યાત્મ ગુરુ. પ્રેમ બે પ્રકારનો હોય છે. એક રોમેન્ટિક લવ અથવા શારીરિક પ્રેમ અને બીજો આત્મીય પ્રેમ અથવા એકાત્મ થવાનો પ્રેમ. ઉર્દૂ ભાષા કમાલની છે. એમાં આ બે પ્રકારના પ્રેમ માટે સ્પષ્ટ વિભાજન છે : ઇશ્કે હકિકી અને ઇશ્કે મિજાજી.અને આવો જ પ્રેમ તમે પણ કરી બેસવાના છો અમારા બાળકોની આવનારી પ્રસ્તુતિ વડે..!
૦૪.
મનુષ્ય માત્રને જીવવા માટે બે રસ્તા છે. કાં તો જ્ઞાન માર્ગ જેમાં બુદ્ધિ હોય, ડહાપણ હોય, હોશિયારી હોય, કહેવાતી સમજદારી હોય અને બીજો રસ્તો છે ભકિતમાર્ગ. જેમાં ફક્ત હૃદયનો જ ભાવ હોય. વ્યવહાર જગતમાં બુદ્ધિની જરૂર છે. જે આપણને બહાર લઇ જાય છે. પણ ભીતરની ભાળ મેળવવી હોય તો ફક્ત હૈયાનો સાદ પૂરતો છે.લોકસંગીત અને લોક નૃત્ય આવા ભાવજગતનાં પાયા ઉપર રચાયેલું છે. એ એવા લોકોનું સંગીત કે નૃત્ય છે કે જે પંડિત નથી પણ સરળ છે. આથી જ એમ કહી શકાય કે સરળ માણસો દ્વારા સરળ શબ્દોમાં અને એનાથી પણ વધુ સરળ સ્વરોમાં સર્જાતું, ગવાતું અને સંભળાતું અને નચાતું સંગીત એટલે લોકસંગીત અને લોકનૃત્ય.અથવા એમ કહી શકાય કે લોકોનું લોકો દ્વારા લોકો માટેનું સંગીત અને નૃત્ય એટલે લોકસંગીત અને લોક નૃત્ય.

૦૫.
આખરે ગુજરાતીપણું એટલે શું? માથે મારવામાં ન આવી હોય એવી કોઇ પણ તકરાર ગુજરાતીને માન્ય નથી. સ્વાદ વિનાની રસોઇ, ઉમળકા વિનાનો આદર, મીઠાશ વિનાની મોહબ્બત, સ્મિત વિનાનો સત્કાર અને સ્નેહ વિનાનો સંબંધ જેને ઝટ રાસ ન આવે તેનું નામ ‘ગુજરાતી’.

૦૬. ‘પરિવર્તનના પંથે’આ અમારા નાટકનું નામ છે.માનવી કામ કરવાની ચોક્કસ ઢબ કેળવે છે.અને એ ઢબ આગળ જતાં આદત પછી પ્રથા,પરંપરા રુપે ઓળખાય છે.આપણા વિચારોનું પણ એવું જ છે.આપણે જે વિચારોની પરંપરા ધરાવીએ છીએ તેને બદલવાનો અભિગમ પ્રસ્તુત નાટ્કમાં અમે કર્યો છે.વાત પરિવર્તનની છે જેમાં આપણું વર્તન સમાયેલું છે.
તો ચાલો કરીએ મનમાં થોડો ફેરફાર
અને પછી અનુભવીએ અંતરનો ચમત્કાર..!

૦૭.
અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
હર્ષ બ્રહ્મભટ્ટ.

૦૮.
મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ, તે પ્રતિભા થઈ નથી શક્તી.
-મરીઝ
૦૯.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: