પ્રસિધ્ધ સંગીતકારોનો પરિચય

પ્રસિધ્ધ સંગીતકારોનો પરિચય

દિલીપ ધોળકિયા

બેસ્ટ ઓફ
દિલીપ ધોળકિયા
(1) તારી આંખનો અફીણી
(ર) એકલા રે આવ્યા મનવા
(3) એક રજકણ
(4) ના ના નહીં આવું
(પ) હરિના છઇએ

દિલીપ ધોળકિયા એટલે એવો ઝળહળતો તારલો કે જે ગુજરાતી સંગીતાકાશમાં સદાય ચમકતો જ રહેશે. ગુજરાતી ગીત-સંગીતમાં એમનું યોગદાન અનન્ય છે. ગુજરાતીમાં તેમના ઘણા સ્વરાંકનો છે, ઘણા ગીતો ગાયા છે છતાં તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી એ ગીતના ગાયક તરીકે ઘણી નામના મેળવી છે. એમના જ શબ્દોમાં કહીએ તો દસ હજાર પરફોરમન્સમાં 15,000 વાર આ ગીત ગાયું હશે. એ સિવાય એક રજકણ પણ એમનું ખૂબ સરસ કમ્પોઝિશન છે, જે લતાજીએ ગાયું છે. ગુજરાતી ફિલ્મ સત્યવાન-સાવિત્રીના લતા-રફીએ ગાયેલાં તેમના ગીતો યાદગાર બની રહ્યા. આ ઉપરાંત તેમણે `મેના ગુર્જરી’, `ડાકુરાણી ગંગા’ અને `જાલમસંગ જાડેજા’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જાલમસંગ જાડેજાનું ભૂપ્ન્દિરે ગાયેલું ગીત એકલા જ આવ્યા માનવા… ઘણું લોકપ્રિય થયું છે.

હિન્દી ફિલ્મ સંગીત ક્ષેત્રે ચિત્રગુપ્ત અને એસ.એન.ત્રિપાઠીના સહાયક તરીકે એમણે ખૂબ કામ કર્યું છે. સુગમ સંગીત ક્ષેત્રે ફિલ્મ સંગીતના પ્રમાણમાં કદાચ થોડું ઓછું કામ કર્યું હશે, પણ જેટલું કર્યું છે તેની સાદર નોંધ લેવી જ પડે. જૂનાગઢમાં જન્મેલા દિલીપ ધોળકિયા આમ તો નાગર કુટુંબના પરંતુ તેમનું કુુટુંબ સ્વામીનારાયણ સંપ્રદાયનું સત્સંગી કુટુંબ. તેમના દાદા કે જેઓ મંદિરમાં કીર્તનો સરસ ગાતા એટલે એમનો પ્રભાવ પણ દિલીપભાઇ પર ખરો.

194રમાં મુંબઇ આવ્યા પછી સંગીતની કારકિર્દી મુંબઇમાં શરૂ થઇ. અવિનાશ વ્યાસના સહાયક રમેશ દેસાઇ અને આશિત દેસાઇના કાકા અને વાયોલિનવાદક બિપ્નિ દેસાઇ સાથે એમની ઓળખાણ થઇ. તેમણે દિલીપભાઇનો અવાજ સારો હોઈ પદ્ધતિસરની તાલીમ લેવાની સલાહ આપી એટલે એમણે પાંડુરંગ આંબેકર પાસે શીખવાનું ચાલુ કર્યું. દરમિયાન,ગુજરાતના શિવકુમાર શુકલના ગુરુભાઇ પાસે તાલીમ લીધા બાદ સાંતાક્રૂઝ મ્યુઝિક સર્કલના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો ખાસ સાંભળતા. શરૂઆતના સંઘર્ષ બાદ ફિલ્મ લાઇનમાં કામ મળ્યું. `પ્રાઇવેટ સેક્રેટરી’ સહિત કેટલીય હિન્દી ફિલ્મોમાં તેમના ગીતો લોકપ્રિય નિવડ્યા હતા. જેમ કે, જારે બેઇમાન, જા જા રે ચંદા, ઓ સાંવરે. લતા મંગેશકરની લંડનના આલ્બર્ટ હોલમાં ગવાયેલા ફિલ્મી ગીતોની એલ.પી.માં દિલીપભાઇએ સ્વરબઘ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું રૂપલેે મઢી છે સારી રાત.

નીનુ મજમુદાર

બેસ્ટ ઓફ
નીનુ મજમુદાર
(1)પંખીઓએ કલશોર
(ર) રક્ષા કરો જગદંબા
(3)ચોરાસી રંગનો સાથિયો
(4)મેં તો ફૂલોની વેદના
(પ)વૃંદાવન વાટે સખી


ગીતકાર-સંગીતકાર અને ગાયક એ ત્રણે કળાનું કોમ્બિનેશન ભાગ્યે જ કોઈમાં એકસાથે જોવા મળે, એ એમનામાં હતું એટલે જ અવિનાશ વ્યાસે એમને `બિલિપત્ર’નું બિરુદ આપ્યું હતું. ઉસ્તાદ ફૈયાઝખાં તથા ઉત્સાદ ઇમામ અલીખાંના શિષ્ય નિનુ મજમુદાર વડોદરાના જમીનદાર નાગર કુટુંબનું સંતાન હતા. તેમનું મૂળ નામ નિરંજન મઝુમદાર હતું.

તેમણે અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. રવીન્દ્ર સંગીત જાણતા નીનુભાઇએ લોકસંગીતમાં સંશોધન કર્યું છે અને સૂરદાસ તથા અન્ય સંતકવિઓની રચનાઓ પણ સ્વરબદ્ધ કરી છે. બાંસુરીવાદનના કાર્યક્રમો આપ્યા છે. તેમની રચનાઓમાં સંગીતના ઊંડા રસની અભિવ્યક્તિ અને અગાધ જ્ઞાન જોવા મળે છે. ચાળીસના દાયકામાં નિનુભાઈનો અવાજ હિન્દી ફિલ્મોમાં સાંભળવા મળે છે. સરદાર અખ્તર સાથે `ઉલઝન’માં, અમીરભાઇ કર્ણાટકી સાથે `પરિસ્તાન’માં અને મીનાકપૂર સાથે `ગોપીનાથ’માં તેમણે ગીતો ગાયાં છે. રાજકપૂરની સૌપ્રથમ ફિલ્મો `જેલયાત્રા’ અને `ગોપીનાથ’માં તેમણે સંગીત નિર્દેશન કયુર્ં છે. ફિલ્મ `ગોપીનાથ’ માટે એમણે લખેલું ગીત આઇ ગોરી રાધિકા… ને શબ્દોમાં સહેજ ફેરફાર કરીને એ જ તરજ સાથે ફિલ્મ `સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં લેવામાં આવ્યું હતું. એ ગીત હતું… યશોમતી મૈયા સે બોલે નંદલાલા. બાળકો માટે તેમણે સંખ્યાબંધ સંગીતનાટિકાઓ અને ગીતો લખ્યાં છે. રાષ્ટ્રીયસ્તરે પણ એમનું ગીત આકાશગંગા સૂર્ય ચંદ્ર તારા સંધ્યા ઉષા કોઇનાં નથી-પસંદગી પામ્યું છે એ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. રાષ્ટ્રીય સમારોહ માટે જુદી જુદી ભાષાઓમાંથી સર્વશ્રેષ્ઠ રચનાઓની પસંદગી સરકાર દ્વારા થતી હોય છે એમાં ગુજરાતી ભાષામાંથી નિનુભાઇની આ રચના પસંદ થઇ છે. 1954થી નિનુભાઈએ ઓલ ઈન્ડિયા રેડિયો – મુંબઈ માટે 20 વર્ષ સુધી લાઈટ મ્યૂઝિક પ્રોડ્યુસર તરીકે સેવાઓ આપી હતી. ઓખાહરણ અને શરદપૂનમ જેવી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે સંગીત આપ્યું છે. નિનુભાઈનો સમગ્ર પરિવાર શબ્દ અને સૂર સાથે જોડાયેલો છે. નિનુભાઈ હવે હયાત નથી પણ એમના ઘરનો સૂરવૈભવ આજે પણ સમૃદ્ધ છે. નિનુભાઈના પત્ની કૌમુદી મુન્શી (પ્રખ્યાત ગાયિકા), ત્રણ દીકરીઓ રાજુલ મહેતા (ગાયિકા), સોનલ શુકલ (સોશિયલ એક્ટિવિસ્ટ), મીનળ પટેલ (અભિનેત્રી) તથા સૌથી નાનો દીકરો ઉદય મઝુમદાર (સ્વરકાર-ગાયક) છે જેઓ પણ ગુજરાતી ગીત-સંગીતની દુનિયામાં સારી નામના મેળવી ચૂક્યા છે.


ક્ષેમુ દીવેટીયા

બેસ્ટ ઓફ
ક્ષેમુ દિવેટિયા
(1) રાધાનું નામ તમે
(ર) ઝીણા ઝીણા રે આંકેથી
(3) ચાલ સખી પાંદડીમાં
(4) આજ મેં તો
(પ) દાન કે વરદાન

ક્ષેમુ દિવેટિયા એટલે ઓલ ઇન્ડિયા રેડિયોના માન્ય ગાયક-સ્વરકાર, સુગમ સંગીત સંમેલનોમાં સંચાલક, સંગીત નૃત્ય નાટિકાઓ, સંગીત રૂપકો અને નાટયસંગીતના સંગીત નિર્દેશક. ગુજરાત રાજ્ય ગુજરાતી ચલચિત્ર કરમુક્તિ સમિતિ તેમજ ગુજરાત રાજ્ય સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમીના ભૂતપૂર્વ સભ્ય તથા `સંગીતસુધા’ નામની ગુજરાતના 3પ કવિઓના ગીતો ર6 જુદા જુદા કલાકારોના કંઠે ગવાયેલા સુગમ સંગીતના ગીતો, ગરબા, ગઝલ અને ભજનની અનોખી દસ કેસેટ્સના સેટના પ્રસ્તુતકર્તા. ક્ષેમુકાકા એટલે ગુજરાત રાજ્ય `ગૌરવ પુરસ્કાર’ના અધિષ્ઠાતા અને ગુજરાતી ફિલ્મ `કાશીનો દીકરો’ના શ્રેષ્ઠ સંગીતકાર. ક્ષેમુભાઇએ નાનપણમાં જયસુખલાલ ભોજક પાસે સંગીતની તાલીમ લીધી. ત્યાર બાદ હમીદ હુસેનખાં અને વી.આર.આઠવલે પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. સ્વરરચનાની શરૂઆત આકાશવાણી અને નાટ્યસંસ્થા `રંગમંડળ’ને લીધે શરૂ કરી. 19પ1માં એ વખતના મધુર ગાયિકા સુધા લાખિયા સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી સંગીતયાત્રાના અનેક મુકામો સર કર્યા. 19પ9માં અમદાવાદમાં રેડિયોની શરૂઆત થઇ ત્યારે અમને ગાવાની તક મળી હતી. જો કે સુગમ સંગીતની સફર `શ્રુતિવૃંદ’માં જોડાયા પછી વધુ વિસ્તરી. નોંધનીય છે કે `કેવા રે મળેલા મનના મેળ…’ તેમનું ખૂબ સરસ સ્વરાંકન છે. આ ગીત સૌથી પહેલાં 19પ0ની સાલમાં રેડિયો પર તેમણે અને તેમનાં પત્ની સુધાબહેને ગાયું હતું. ત્યાર બાદ પ્રસિઘ્ધ નાટ્યકર્મી પ્રવીણ જોશીએ એને `સપ્તપદી’નાટકમાં લીધું. પછી `શ્રવણમાધુરી’ની એલ.પી.માં ગવાયું. ને છેલ્લે ગુજરાતી ચલચિત્ર `કાશીનો દીકરો’માં લેવાયું. `સપ્તપદી’થી એ વધારે લોકપ્રિય બન્યું હતું. `ચિત્રાંગદા’નું સંગીત પણ તેમણે જ આપ્યું હતું. તે વખતના અગ્રગણ્ય નાટ્ય દિગ્દર્શકોથી લઇને આજના સુરેશ રાજડા સુધીના દિગ્દર્શકોના નાટકોમાં તેમણે  સ્વરનિયોજન કર્યું છે. આઇએનટીના ઘણા નાટકોમાં સંગીત આપ્યું છે. થોડાં સમય અગાઉ તેમણે `લિખિતંગ રાધા’ શીર્ષક હેઠળ તુષાર શુક્લના ગીતો કમ્5ોઝ કર્યા હતા. તેઓ કહે છે લોકોને ગમે એવું જ સંગીત આપવા જઇએ તો ગાડી આડે પાટે ચડી જાય. સંગીતનો મૂળ હેતુ માર્યો જાય. સુંદર સ્વરાંકન રચવા માટેના અનેક અભિગમોમાંનો એ એક હોઇ શકે. જનરુચિ એ રીતે કેળવવી જોઇએ કે કવિતાનું ધોરણ ઊંચું હોય. ઢાળ બને એટલા સરળ બનાવવા જોઇએ. ગાનાર તૈયાર હોવો જોઇએ. લોકોને ગમે એવું આપવા માટે આજે એક જુદી જ સ્કૂલ ઊભી થઇ છે. રમતિયાળ કૃતિઓ હોય છે. પરંતુ એ બધું સભારંજનમાં ચાલે દસ્તાવેજીકરણ કરવામાં ન સારું લાગે. ગીતને તમે રોમેન્ટિક બનાવી શકો. હિલેરિયસ બનાવી શકો પણ કાવ્યાત્મકતા, કાવ્યતત્ત્વ નીચું ન ઊતરવું જોઇએ.

રાસબિહારી-વિભા દેસાઇ

બેસ્ટ ઓફ રાસબિહારીભાઇ અને વિભા દેસાઇ
(1) માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
(2) પાસપાસે તો ય કેટલાં જોજન દૂરનો આપણો વાસ
(3) દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયાં
(4) પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી
(5) તારું આકાશ એક હિંડોળાને ખાટ

એ વર્ષ હતું 1960નું. દેશભરમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જન્મશતાબ્દી ઉજવાઇ રહી હતી. સુરતમાં તેનું આયોજન થયું હતું. તેના એક કેન્દ્રબિન્દુરૂપ હતા સંગીતમાર્તંડ પંડિત ઓમકારનાથ ઠાકુર. આયોજનમાં સંગીત હતું જ. ત્યારે રાસબિહારી દેસાઇને પહેલીવાર લોકોએ જોયા અને સાંભળ્યા હતા. તેમણે પંડિતજીની હાજરી અને કડક પરીક્ષક કાન હેઠળ એવું સરસ ગાયું કે પંડિતજી જેવા દુરારાધ્ય સંગીતસમ્રાટ પણ રાસભાઇને સાંભળીને બોલી ઉઠ્યા, આ યુવાન સ્વર સમજ્યો છે. ઓમકારનાથજીનું આટલું પ્રમાણપત્ર પણ અમૂલ્ય અને દુર્લભ જ લેખાય. રાસભાઇ તેને પાત્ર હતા જ. વર્ષો વીતી ગયા આ વાતને છતાં આજે પણ તેઓ ગુજરાતના પ્રથમ પંક્તિના સુગમસંગીત ગાયક અને સ્વરકાર બની શિરમોર સ્થાને પ્રતિષ્ઠિત છે. ધંધાદારી વલણને જેમણે પોતાની નજીક પણ નથી ફરકવા દીધું તેવા રાસબિહારીભાઇનો આષાઢી કંઠ એ તેમની સહુથી મોટી મિરાત છે. બીજું બધું જ હોય પણ સૂરીલો કંઠ જ ન હોય તો બધું નિરર્થક જ છે. રાસભાઇની વિશિષ્ટતા એ છે કે ગાવા માટે મોટે ભાગે તેઓ ઉચ્ચ સાહિત્યિક સ્તરની રચનાઓ જ પસંદ કરે છે. તેમની કૃતિ પસંદગીની કક્ષા હંમેશાં ઊંચી હોય છે. સસ્તાં સમાધાનો તેઓ કદી કરતાં જ નથી. જુદા જુદા સંગીતકારોના અનેક સુંદર કમ્પોઝિશનો રાસભાઇએ સ્થાપેલા શ્રુતિ વૃંદમાં સાંભળ્યા હોવાનું ઘણાં ગુજરાતીઓને યાદ હશે જ. ગુજરાતના અગ્રગણ્ય અને સત્વશીલ કલાકાર રાસબિહારી દેસાઇ અને તેમનું શ્રુતિ વૃંદ એ ગુજરાતી સુગમ સંગીતનું એક મહત્ત્વનું પ્રકરણ ગણી શકાય. રાસબિહારી દેસાઇની રગેરગમાં સંગીત. જોકે નાગર પરિવારના હોવાથી જન્મજાત સંગીતવારસો મળેલો જ હતો. કોઇ ઔપચારિક સંગીત તાલીમ મળી નહીં પણ આંતરિક ઊંડી લગનને લીધે, ખંતપૂર્વક રિયાઝ, શ્રવણ અને વાંચન દ્વારા સ્વાશ્રયથી સંગીત સાધના કરી જે આજેય ચાલુ છે. તેમના પત્ની વિભા દેસાઇ પણ સુગમસંગીત ગાયક. દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપવા ઉપરાંત આ બેલડીએ માંડવાની જૂઇ, શ્રવણમાધુરી, કાશીનો દીકરો, ને તમે યાદ આવ્યાં તથા બીલીપત્ર જેવી અનેક કેસેટ્સ, સીડીઝ બહાર પાડી છે. રાસભાઇએ ભારતીય સંગીત-ગુજરાતી સુગમ સંગીત વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં છે, લેખો લખ્યા છે, કાર્યશિબિરો કરી છે અને પરિસંવાદોનું આયોજન પણ કર્યું છે.

અજિત મર્ચન્ટ

બેસ્ટ ઓફ
અજિત મર્ચન્ટ

(1) તારી આંખનો અફીણી
(2)રામ ભજનની લગની લાગી
(3) ઘનશ્યામ ગગનમાં
(4) છુમક છુમક નહીં નાચું
(પ) લાવ નદીના પટ પર તારું
નામ લખી દઉં

તારી આંખનો અફીણી… ગીત સાંભળો એટલે એક વ્યક્તિની યાદ જરૂર આવે અને તે વ્યક્તિ એટલે ગીતકાર-સંગીતકાર અજિત મર્ચન્ટ. જી હા, ગુજરાતી સંગીતજગતનો ચમકતો સિતારો છે આ અજિત મર્ચન્ટ. વર્ષો સુધી તરોતાજા તરજો આપ્નાર અજિતભાઇ માત્ર સંગીતકાર જ નહીં, સંગીતજ્ઞ અને સંગીત મર્મજ્ઞ પણ છે. હિન્દુસ્તાની અને પાશ્ર્ચાત્ય સંગીતની વાતોનો કેટલો મોટો ખજાનો છે એમની પાસે. અજિતભાઇ મૂળ તો નાટ્યકલાકાર હતા પણ 1945થી સંગીતક્ષેત્રે આવ્યા. આ શરૂઆત પણ પાછી વ્યાવસાયિક ધોરણે થઇ હતી. ચં.ચી.મહેતાએ કોઇકની અવેજીમાં અજિતભાઇને રેડિયો કાર્યક્રમ `એક ડાયરો’માં સંગીત કરવા કહ્યું અને એમણે એકવાર ઘોઘા જાજો રે ઘેરિયા અને પાંદડી શી હોડી ગીતો કરી બતાવ્યાં. સ્ટેશન ડિરેક્ટર બુખારી અને ચં.ચી.મહેતાએ એ માન્ય કરી દીધાં. પછી તો એમને સંગીતસંબંધી ઘણું કામ મળવા માંડ્યું. અજિતભાઇના પિતા જાણીતા ક્રિમિનલ લૉયર. પરંતુ, સંગીતના શોખીન એટલે અજિતભાઇને પણ સંગીત શીખવા પ્રોત્સાહિત કરતા. આ પ્રોત્સાહને જ અજિતભાઇની જિંદગી બનાવી દીધી. અજિતભાઇ ભીંડીબજાર ઘરાનાના. સંગીતનું સૌંદર્યશાસ્ત્ર ઘણા પાસેથી ગ્રહણ કર્યું પણ માનસગુરુ તરીકે એમણે પં.શિવકુમાર શુક્લને સ્વીકાર્યા હતા. ગુરુ અને પિતાની તાલીમના નિચોડરૂપે અજિતભાઇ પાસે સંગીતનું પૂરતું ભાથું બંધાયું છે. મુકેશ, આશા ભોંસલે, રફી તથા જગજિતસિંહ જેવા કેટલાય ઉત્તમ કલાકારોએ તેમનાં સ્વરાંકનો ગાયાં છે. ગુજરાતી, હિન્દી, મરાઠી સહિત લગભાગ અઢીસો નાટકોમાં સંગીત આપ્નાર અજિતભાઇએ જમાનાની બદલાતી તાસીર સાથે તેમની કાર્યપદ્ધતિમાં ઘણું પરિવર્તન આણ્યું છે. સંગીતમાં તેમણે ઘણા પ્રયોગો કર્યા છે. રાજેન્દ્ર શાહની કવિતા બોલીએ ના કંંઈ આપણું હૃદય ખોલીએ ના કંઈ માં મેલડીમાંથી હટ્યા વિના વેર્સ્ટન ટ્રીટમેન્ટ આપી અને ચાર અવાજ લીધા હતા. તો ખલીલ ધનતેજવીની એક ગઝલ વરસે છે મારી આંખથી શ્રાવણ હજી સુધી.. માં 50 વાયોલિનનો ઉપયોગ કર્યો હતો. જોકે એમનું સ્વરાંકન એવું `તારી આંખનો અફીણી’ના સર્જનને 60 વર્ષ થયા છતાં આ ગીત આજેપણ એટલું જ તાજગીસભર લાગે છે,  ગુજરાતી ગીત-સંગીતના ઈતિહાસમાં આ માઈલસ્ટોન ગીત બન્યું છે.
અજિતભાઇએ ભારતીય અને પાશ્ર્ચાત્ય બંને સંગીતમાં તાલીમ લીધી છે. તેઓના કહેવા મુજબ ભારતીય સંગીત તો બેસ્ટ જ છે પરંતુ પાશ્ર્ચાત્ય સંગીતની પણ કેટલીક મહાનતાઓ છે. આજની નવી પેઢીને તેઓ એ જ સંદેશ આપે છે કે સંગીત એ સાધના છે એટલે નિષ્ઠાપૂર્વક સાધના કરો.

અજિત-નિરૂપમા શેઠ

બેસ્ટ ઓફ
અજિત શેઠ
(1) ધારો કે એક સાંજ
(2) તમે તે તિલક રાજા રામ
(3) ખોબો ભરીને અમે
(4) આ નભ ઝૂક્યું તે કાનજી
(પ) ભાઈ રે આપણા દુ:ખનું
કેટલું જોર

સને 1972માં કલકત્તાના ગુજરાતી સાહિત્ય મંડળે મુંબઇના એક સંગીતકાર દંપતીને ત્યાંના ગાયકોની હરીફાઇના નિર્ણાયક તરીકે આમંત્રણ આપ્યું. બીજે દિવસે પરિસંવાદ હતો. ત્રીજા દિવસે તેમના ગીતોનો કાર્યક્રમ હતો. બધાં તન્મય બનીને આ ગાયક સંગીતકાર દંપતીને સાંભળી રહ્યાં છે. એ સમયે ધીમેથી એક ભદ્ર પુરુષ પ્રવેશ કરે છે અને આગલી હરોળમાં બેસી જાય છે. એમને જોઇને ગાયક દંપતી ભાવવિભોર બની જાય છે.  પ્રેક્ષકો પણ આશ્ર્ચર્યમાં ગરકાવ થઇ જાય છે. આટલો મહાન કલાકાર આપણા કાર્યક્રમમાં હાજર ! ઊભા થઇને તેઓ સ્ટેજ પર આવે છે અને બંગાળીમાં ખાસ તેમના પર કરેલી રચના ગાઇ બંનેને આશીર્વાદ આપે છે. એ પછી તો ત્રણેય સાથે ગીતો ગાય છે. આવા સમયે આવો મહાન ગાયક, કલાકાર, સામાન્ય પરપ્રાંતીય કલાકારને કોઇપણ અભિમાન વિના આવકારે, આશીર્વાદ આપે એ જોઇને પ્રેક્ષકો આભા બની જાય છે. એ મહાન કલાકારનું નામ હતું પંકજ મલિક અને તેમના પ્રીતિપાત્ર બનનાર હતા ગુજરાતના ગાયક સંગીતકાર દંપતી અજિત શેઠ અને નિરૂપમા શેઠ.
સાહિત્ય અને કલાનો સુભગ સંગમ થયો હોય એવાં દંપતી આપણે ત્યાં બહુ થોડા મળે છે અને એમાંથી પણ કલાની ઉપાસના, દેવપૂજા, જીવનધર્મ ગણીને કરી હોય એવા તો ભાગ્યે જ કોઇ મળી આવે. નિરૂપમા-અજિત શેઠ એમાંના એક છે. બંનેને બાળપણથી જ સંગીતમાં રસ હતો. કુટુંબમાં અનુકૂળ વાતાવરણ મળ્યું. સંગીતના નાદે જ બંનેને નજીક આણ્યા હતા. સાહિત્યને સંગીતમાં લાવવાનો તેમણે પ્રયોગાત્મક શૈલીનો આરંભ કર્યો. પરિણામે ગુજરાતી ગાયકો, સ્વરકારો, કવિઓને રચના રજૂ કરવાની તક મળી.
અજિત શેઠ પર રવીન્દ્ર સંગીતની ઊંડી અસર. તેમને લાગ્યું કે જેનું સંગીત અને કાવ્ય બંને પાંખ સશક્ત હોઇ ગુજરાતમાં પાંગરવી જોઇએ. બંગાળના કવિઓ ઘેર ઘેર ગવાય છે, એ રીતે આપણા કવિઓની કવિતાઓ ગામે ગામ પહોંચવી જોઇએ. આ માટે 1960માં ભારતીય વિદ્યાભવનમાં સુગમ સંગીત યુનિટની સ્થાપ્ના કરી આપણા લોકગીતો, સંતવાણી અને ખાસ કરીને આધુનિક કવિઓના શ્રેષ્ઠ ગીતોનો પ્રાણવાન વારસોે સંગીત દ્વારા નવી પેઢી સુધી પહોંચેે એ માટે બંને સતત પ્રયત્નશીલ રહ્યાં છે. આ સંગીતકાર દંપતીની દીકરી ફાલ્ગુની શેઠે પણ સંગીતક્ષેત્રે અનેક સોપાનો સર કર્યા છે. `વર્લપુલ’, `ડાબર વાટિકા’ શેમ્પુ અને માણિકચંદ જેવી એડ ફિલ્મોમાં કંઠ આપ્નાર ફાલ્ગુનીની સુગમ સંગીતની કેસેટ `ટહૂકે છે લીલીછમ ડાળ’ તથા `સપ્ના લો કોઈ સપ્ના’ સ્વરાંકન અને ગાયકીની દ્ષ્ટિએ નોંધનીય છે.

ગૌરાંગ વ્યાસ

બેસ્ટ ઓફ ગૌરાંગ વ્યાસ

(1) હૂ  તૂ  તૂ  તૂ
(2) સાંવરિયો રે મારો
(3) હજુ રસભર રાત  બાકી
(4) હું તો ગઈ તી મેળે
(5) આંખો ભીની હૈયુ ભીનું
(6) પૂછો તો ખરા ઘાયલને શું થાય છે…

`197પમાં દિગંત ઓઝા અને નિરંજન મહેતા `લાખો ફુલાણી’ ફિલ્મ બનાવી રહ્યા હતા. તેઓ ભઇ (અવિનાશ વ્યાસ) પાસે આવ્યા. ફિલ્મની કથા સંભળાવી, બીજી આડીઅવળી વાતો કરી અને છેલ્લે કહ્યું કે આ ફિલ્મમાં સંગીતકાર અવિનાશ વ્યાસ નથી. ભઇએ જરાક આશ્ર્ચર્ય અને અકળામણ સાથે પૂછયું. `તો પછી મારી પાસે કેમ આવ્યા ?’ તો એમણે કહ્યું કે આ ફિલ્મમાં સંગીતકાર તમે નહીં પણ ગૌરાંગ વ્યાસ છે. પોતાના દીકરાને પહેલી સ્વતંત્ર ફિલ્મ મળે તે કોને ન ગમે ? જોકે ભઇએ કહ્યું કે સંગીતકાર ભલે ગૌરાંગ હોય, પણ ગીતો હું જ લખીશ.. પહેલ વહેલીવાર  મને આ ફિલ્મનું કામ મળ્યું અને અવિનાશ વ્યાસ જેવા ગીતકાર પણ મળી ગયા. આનાથી મોટું સદ્ભાગ્ય કયું હોઇ શકે ? ‘ પ્રસિદ્ધ સંગીતકાર ગૌરાંગ વ્યાસના આ શબ્દો છે.
ગુજરાતના ઘેર ઘેર પોતાના ગીતો ગૂંજતા કરનાર પદ્મશ્રી સંગીતકાર-ગીતકાર પિતાના સંતાન તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરવું એ કંઇ નાની સિદ્ધિ નથી. પરંતુ ગૌરાંગભાઇએ આ ગૌરવને પિતાના નામ પૂરતું જ મર્યાદિત રાખવાને બદલે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે એ એનાથીય મોટી સિદ્ધિ છે. 1971માં `જેસલ તોરલ’ ફિલ્મ આવી ત્યારે ભઇએ મને કહ્યું કે આ ફિલ્મમાં તું મને આસિસ્ટ કરે તો સારું. અને એ ફિલ્મથી ભઇના સહાયક સંગીતકાર તરીકે મેં કામ કરવાનું શરૂ કર્યું. પછી તો ગુજરાતી ફિલ્મોનો સિલસિલો જે ચાલ્યો અને લગભગ 135 ફિલ્મોમાં મેં સંગીત આપ્યું… ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી સુગમસંગીત આ બંને ક્ષેત્રે પ્રદાન હોય એવા આ કદાચ એકમાત્ર સંગીતકાર જ હશે. ગૌરાંગભાઇએ અંદાજે 700 જેટલા ફિલ્મીગીતો કમ્પોઝ કર્યા છે અને એટલા જ ગૈરફિલ્મી ગુજરાતી ગીતો એટલે કે સુગમ સંગીતનાં ગીતો સ્વરબદ્ધ કર્યા છે. લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોરકુમાર, મન્નાડે, મુકેશ, મહેન્દ્ર કપૂર અને જગજિતસિંહ જેવા શ્રેષ્ઠ બિનગુજરાતી કલાકારો પાસે ગુજરાતી ગીતો ગવડાવવાનો યશ પણ અવિનાશભાઇ પછી ગૌરાંગભાઇને જાય છે. તેમણે કેટલીય ટી.વી. સિરિયલોમાં પણ સંગીત પીરસ્યું છે. અત્યાર સુધીમાં 23 ગુજરાતી ફિલ્મોમાં તેમને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકના એવોડર્‌ઝ મળી ચૂકયા છે, તો 1994-95માં સંગીત નાટ્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. તેઓ ફીલિંગ્સ સાથે વાતચીતમાં કહે છે કે, `એક સમય એવો હતો કે મારી પાસે ભઈ કરતાં પણ વધારે ફિલ્મો હતી, એટલે કોઈકે કીધું કે અવિનાશભાઈ તમારો દીકરો તો તમારાથી પણ આગળ વધી ગયો છે. ત્યારે ભઈએ કીધું કે પુત્રના હાથે પરાજય થાય એનાથી વિશેષ આનંદની ઘટના શું હોઈ શકે ? હું માનું છું મારા પિતાના આ શબ્દો  મારે  માટે સૌથી શ્રેષ્ઠ  એવોર્ડ  છે.’

દક્ષેશ ધ્રુવ

બેસ્ટ ઓફ દક્ષેશ ધ્રુવ
(1) થાંભલીનો ટેકો ને
ઓસરીની કોર’
(2) ગોકુળમાં કોકવાર
આવો તો કાન’

`થાંભલીનો ટેકો ને ઓસરીની કોર’ અને ગોકુળમાં કોકવાર આવો તો કાન’ જેવા ખૂબ જ લોકિપ્રય સ્વરાંકનો આપ્નાર આ એવી વ્યક્તિ છે જેમને લોકો કદાચ ઓછું ઓળખતા હશે, પરંતુ સુગમ સંગીત ક્ષેત્રમાં એ નામ ખૂબ જાણીતું, માનીતું અને આદરણીય છે. એ વ્યક્તિ છે દક્ષેશ ધ્રુવ. એમને વ્યાવસાયિક કલાકાર ન કહી શકાય છતાં એમના સ્વરાંકનોની બે સીડીઝનો એક સેટ `મૌનના ટહુકા’ પ્રગટ થયો છે. જેમાં દક્ષેશભાઇના શ્રેષ્ઠ સ્વરાંકનોનો સમાવેશ થયેલો છે. એ સિવાય ચંડીપાઠની એક કેસેટ `ત્વમેવ સર્વમ્’ પણ તેમણે તૈયાર કરી છે.
દક્ષેશભાઇના માતા ખૂબ સારું ગાતાં. પિતા પણ સંગીતના શોખીન એટલે ઘરમાં સંગીતનું વાતાવરણ હતું જ, એમાં મોડર્ન સ્કૂલનું પ્રોત્સાહક વાતાવરણ ઉમેરાવાથી દક્ષેશભાઇના સંગીતના શોખને એક નક્કર સ્વરૂપ મળ્યું હતું. એ વખતે મોડર્ન સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે મધુર ગાયકી ધરાવતા પં. યશવંતરાય પુરોહિત, ગુજરાતી વિષય પ્રહલાદ પારેખ શીખવે અને રમણ વકીલ જેવા વિદ્યાર્થીપ્રિય આચાર્ય, પછી પૂછવાનુું જ શું ? સ્કૂલમાં જુદા જુદા કવિઓ આવે, સંગીતકારો આવે તેથી સુગમ સંગીત પ્રત્યે એમનો રસ વધવા લાગ્યો. પં. યશવંતરાય પુરોહિત જેવા ગુરુને કારણે ઉસ્તાદ અમીરખાંસાહેબ, ઉ. બડે ગુલામઅલીખાં, રવિશંકરજી જેવા ઉસ્તાદોને સાંભળવાનો મોકો બહુ નજીકથી મળ્યો. રિયાઝ માટે પણ શાળાનો સમય પૂરો થયા પછી યશવંતરાયજી આશાસ્પદ શિષ્યોને બોલાવે. આમ સંગીતપ્રીતિ વધતી ચાલી. આ ઉપરાંત તેમણે જાણીતા સંગીતકાર નિુ મઝુમદાર પાસે પાંચેક વર્ષ સુગમ સંગીતની તાલીમ પણ લીધી હતી.
એ વખતે સંગીત પર જીવવું અઘરું હોવાથી સોલિસીટરનો વારસાગત વ્યવસાય તેમણે અપ્નાવ્યો. દક્ષેશભાઇએ 1969 સુધી સુગમ સંગીતના જાહેર કાર્યક્રમો આપ્યા હતા. રેડિયો ઉપર સુગમ સંગીત કોન્ફરન્સમાં પણ ગાયું હતું. સંગીત એમનો પ્રિય  અને રસનો વિષય રહ્યો હોવાથી તેઓ એમના ઘરમાં સુગમ સંગીતના વર્ગો ચલાવતા હતા. તેઓ માનતા હતા કે સંગીત સ્વયં જીવનમાં ખૂબ શાંતિદાયક છે. સારું અને સાચું સંગીત સાંભળીએ એટલે જુદી જ દુનિયામાં પહોંચી જવાય.
સુગમ સંગીત વિશે તેઓ માનતા હતા કે, `સુગમ સંગીતમાં કવિતાને પ્રાધાન્ય છે. જેઓ કવિતા સમજતા હોય એમને આ સંગીત વધુ ગમે. કોઈપણ ગીત લોકહૃદયને સ્પર્શે એમાં 50 ટકા કવિતાનો અને 50 ટકા સંગીતનો હિસ્સો હોય છે.’

શ્યામલ-સૌમિલ-આરતી મુનશી

બેસ્ટ ઓફ શ્યામલ-સૌમિલ મુનશી
(1) દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે (ર) મારી આંખમાં તું વ્હેલ સવાર સમું પડતી (3) એક છોકરીના હાથથી રૂમાલ પડે (4) વાંસલડી ડોટ કોમ (પ) લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે (6) પાનખરોમાં પાન ખરે ને
(7) રઈસ તો વિતેલા મિલેનિયમનો માણસ (8) હું અને તું નામના કાંઠાને

શ્યામલ-સૌેમિલ અને આરતી મુનશીની ત્રિપુટી ગુજરાતી ગીતો, ભજન, ગઝલ, લગ્નગીતો, વર્ષાગીતો અને ખાસ કરીને બાળગીતો ગાવા માટે પ્રખ્યાત છે. શ્યામલ મુનશી વ્યવસાયે ડોક્ટર છે છતાં સ્વરાંકન અને ગાયનક્ષેત્રે આગવી શૈલી વિકસાવી છે. જ્યારે સૌમિલ અને આરતી મુનશીએ સુમધુર અવાજ અને ભાવવાહી અભિવ્યક્તિ દ્વારા ઓળખ ઊભી કરી છે. આ ત્રિપુટીએ મોરપિચ્છ, મોસમ તારી યાદની, મિજલસ, મનડે મહોર્યા ગુલમહોર અને 1પ0 બાળકોને લઇને મેઘધનુષ જેવા કાર્યક્રમો કર્યા છે. તેમની 39 બાળગીતોને સમાવતી બે સેટની અનોખી કેસેટ `મેઘધનુષ’ 1994માં પ્રસિદ્ધ થયા પછી લોકપ્રિય નિવડી છે. સંગીતક્ષેત્રે કાર્યરત રહેવા માટે શ્યામલ-સૌમિલ કેટલાક વર્ષોથી `ટચિંગ ટયુન્સ’ નામે મ્યૂઝિક કંપ્ની શરૂ કરી છે. ટચિંગ ટયુન્સે ચંચલ, શીતલ, નિર્મલ અને કોમલ એમ ચાર જુદા જુદા કન્સેપ્ટને આધારે વૈવિધ્યપૂર્ણ કેસેટ્સ બહાર પાડવાનું નક્કી કર્યું છે. આ ચારેય વિભાવનાઓ દ્વારા  બાળકોથી માંડીને વડીલો સુધી તમામને ગમે એવું સંગીત આપવાનું આયોજન ટચિંગ ટયુન્સનું છે. શ્યામલ-સૌમિલે `શીતલ’ શ્રેણી અંતર્ગત `હસ્તાક્ષર’ નામનો સુગમ સંગીતનો છ કેસેટ્સ અને સીડીઝનો સેટ બહાર પાડયો છે. `સ્વરસેતુ’ અને `શબ્દસેતુ’ સંસ્થા દ્વારા સાહિત્ય અને સંગીત, તથા નવા કલાકારોને પ્લેટફોર્મ પણ પૂરુ પાડી રહ્યા છે. તેઓ માને છે કે કોઈપણ ભાષાનું સાહિત્ય કે સંગીત એ ભાષા પર કરેલા હસ્તાક્ષર છે.

નયનેશ જાની
બેસ્ટ ઓફ
નયનેશ
જાની

(1) આંખોમાં બેઠેલા ચાતક (ર) ભીંતે ચીતરેલ રૂડા (3) એક સાબરકાંઠાનો શાહુકાર (4) ફાગણની ઝાળ ઝાળ (પ) તું અને હું જાણે સામા કિનારા
(6) બહુ હૈયે રાખી હોમ (7) બિરદાળી બહુચરવાળી (8) હે આવી આસોની રઢિયાળી રાત (9) રંગવાદળી (10) છાયી રે છાયી ઘનઘોર ઘટા

સરળ સ્વરાંકનો અને સહજ ગાયકી નયનેશ જાનીની ઓળખ છે. તેમનાં સ્વરબદ્ધ કરેલાં બે ગીતો `આંખોમાં બેઠેલા ચાતક’ અને `ભીંતે ચીતરેલ રૂડા ગરવા ગણપતિ’ ગીતો ખૂબ જ લોકપ્રિય છે. અમદાવાદના સંગીતકાર નયનેશ જાનીમાં સંગીતના બીજ બાળપણથી રોપાયા હતા. તેમણે લોક-સુગમ સંગીતની કેસેટ્સ કરી છે તથા સ્ટેજ ગરબાનું આયોજન પણ તેઓ કરે છે. આ સિવાય તેઓ ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ સાથે પણ સંલગ્ન છે. પ્રારંભિક તાલીમ પં. બાલકૃષ્ણ નાયક પાસે લીધી હતી ત્યારબાદ શાસ્ત્રીય સંગીત શીખ્યા. જો કે તેમને  કાવ્યસંગીત ખૂબ ગમતું હતું એથી સુગમસંગીતમાં જ નવાં સ્વરાંકનો કરવાનું શરૂ કર્યું. એ પછી અમદાવાદમાં રસિકલાલ ભોજકની સંસ્થા `સ્વરમ્’માં ગાયક તરીકે જોડાયા. સંગીતના યાદગાર અનુભવ વિશે નયનેશ જાની ફીલિંગ્સને કહે છે કે, `અમદાવાદમાં `મહેફિલ’ સંગીતસ્પર્ધામાં 45 કલાકારો વચ્ચેની સ્પર્ધામાં હું ફાઈનલ સુધી પહોંચ્યો હતો. ફાઈનલમાં મારી સામે નિશા ઉપાધ્યાય સહિત ત્રણ સ્પર્ધક હતા જેમણે મારાં સ્વરાંકનો ગાવાનું પસંદ કર્યું હતું. એમાં નિશાએ મારું ગીત `આંખોમાં બેઠેલા ચાતક’ ગાયું અને એ વન્સ મોર થયું એટલું જ નહીં નિશા એ સ્પર્ધામાં પ્રથમ આવી. પણ મારું સ્વરાંકન હોવાથી મને સવિશેષ આનંદ થયો હતો.

ઉદય મઝુમદાર

બેસ્ટ ઓફ ઉદય મઝુમદાર
(1)આ મનપાંચમના મેળામાં
(ર) વ્રજમાં મયુરો
(3)લેવા ગયો જો પ્રેમ તો
(4)પાંખ વગરનાં પારેવાં.
(પ) ગૌરી મોરી ફાગણ

રોહન સિપ્પી દિગ્દર્શિત, ઐશ્ર્વર્યા-અભિષેક અભિનીત ફિલ્મ `કુછ ના કહો’જેવી હિન્દી ફિલ્મમાં બેકગ્રાઉન્ડમાં વાગતી સિતારનું સંગીત એ આપણા ગુજ્જુ-યુવા અને પ્રતિભાશાળી સંગીતકાર ઉદય મઝુમદારની કરામત હતી. આ ઉપરાંત પણ `પાંખ વગરનાં પારેવાં’ ગુજરાતી ફિલ્મમાં અને બીજી કેટલીક નાની મોટી હિન્દી-ગુજરાતી તથા દસ્તાવેજી ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું છે. નીનુ મઝુમદાર અને કૌમુદી મુનશી જેવી ઉત્તમ સંગીત બેલડીના પુત્ર ઉદય મઝુમદારે શાસ્ત્રીય સંગીતની તાલીમ માસ્ટર નવરંગ પાસે લીધી છે. સુગમ સંગીતની તાલીમ તેમણે નીનુ મઝુમદાર પાસે અને ઉત્તરપ્રદેશના લોકસંગીતની તાલીમ કૌમુદી મુનશી પાસેથી લીધી તો ગુજરાતી લોકસંગીત રાજુલ મહેતા પાસે શીખ્યા. વારાણસીમાં 1પ નવેમ્બરે જન્મેલા ઉદયે બુનિયાદ, હમરાહી, ખોજ, અપ્ને આપ, મૃત્યુંજય, પરંપરા, એક ઔર મહાભારત, તીર કમાન તથા સ્ટાર પ્લસ અને સોનીની કેટલીક પ્રસિદ્ધ સિરિયલોમાં સંગીત પિરસ્યું છે. ગુજરાતી અને મરાઠી સિરિયલો જેવી કે ધૂપ છાંવ, વિનાયક, આગંતુક, અનુરાધા, ચલ મારી સાથે ઓ જિંદગી ને ઓથ માં પણ તેમનું સંગીત હતું. આ ઉપરાંત અનેક આલબમમાં તેમણે ગાયું છે અને સંગીત આપ્યું છે એટલું જ નહિ તેઓ ઉસ્તાદ સુલતાન ખાન (સારંગી) અને પેરિસના માર્કો સેલોન (સ્પેનિશ ગિટાર) તથા રાકેશ ચૌરસિયા (બાંસુરી) અને માર્કો સેલોન (સ્પેનિસ ગિટાર)ના વર્લ્ડ મ્યુઝિક આલબમ્સના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર રહી ચૂકયા છે. ગુજરાતી ફિલ્મ `માણસાઇના દીવા’ના ગીત માટે ગુજરાત સરકારનો શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ તેમને મળ્યો છે તથા રમેશ સિપ્પીની લોકપ્રિય સિરિયલ `બુનિયાદ’ના સંગીત માટે સ્ટાર એન્ડ સ્ટાઈલ ટ્રોફી ઉપરાંત અન્ય પારિતોષિકો પ્રાપ્ત થયા છે.

સુરેશ જોશી


બેસ્ટ ઓફ સુરેશ જોશી
(1)મારા સપ્નામાં
(ર) રે  વણઝારા
(3) હોઠ મલકે તો
(4) ઓ કાના તારા કેટલા કીધા છે આછોવાનાં
(5) રંગ લાગ્યો કનૈયા મને

સુરેશ જોશી આમ તો મૂળ ગુજરાતમાં આવેલા ઊનાના. પિતાજી હાર્મોનિયમ વગાડે અને માતા સુંદર ગાય એટલે સંગીતનું વાતાવરણ સુરેશભાઇને ગળથૂથીમાં મળ્યું હતું. જોકે ખાસ સમજણ વિના. 1ર વર્ષની વયે તો તેઓએ સ્વરાંકનો કરવાનું શરૂ કરી દીધું હતું. રાજકોટની એન્જિનિયરીંગ કોલેજમાં ભણતાં ત્યારે પરેશ ભટ્ટ, ભદ્રાયુ ધોળકીયા, અનંત વ્યાસ જેવા સુગમ સંગીતપ્રેમીઓને મળવાનું થતું. એમની સાથે સુગમસંગીતની બેઠકોથી સંગીતની ભૂખ વધુ ઊઘડી અને ઉતરોત્તર સંગીતમાં રસ વધતો ગયો. એ દરમિયાન આકાશવાણી સાથે સંકળાયેલા ઉપેન્દ્ર ત્રિવેદીએ રેડિયોમાં યુવાવાણી કાર્યક્રમ માટે એમને ગાવા બોલાવ્યા અને પછી રેડિયો ઓડિશન પણ આપ્યું જેમાં એમની વરણી થઈ. ત્યારબાદ તેઓ મુંબઈ ગયા જ્યાં લગભગ છ-સાત વર્ષ ઉદય મઝુમદાર સાથે કામ કર્યું. આજે તો સંગીત ક્ષેત્રે તેઓ એક જાણીતું નામ બની ચૂક્યા છે. સુરેન ઠાકર `મેહૂલ’ સાથે મળીને `ગીતગંગોત્રી’ શીર્ષક હેઠળના કાર્યક્રમમાં નરસિંહ મહેતાથી રમેશ પારેખ સુધીની કવિતાઓ જુદા જુદા સ્વરુપે રજૂ કરી. તો મહાવીર સ્વામીના જીવનથી નિર્વાણ સુધીના કાળ પર એક સંગીત આલબમ કરી રહ્યા છે. એસએનડીટી માટે અખો-કબીર સાહિત્યિક કૃતિ કરી છે અને કલાપીના એ સમયના સંગીતને ધ્યાનમાં રાખીને સ્વરાંકનો તૈયાર કર્યા છે. તેઓ કહે છે કે,`યુવા પેઢીને ગુજરાતી સંગીત સાંભળતી કરવા થોડી મહેનત કરવી પડે, પણ એ જરૂરી છે. કલાકારોએ પણ પોતાનું દાયિત્વ સમજીને યુવાપેઢીને શીખવાડતા રહેવું જોઇએ.

નયન પંચોલી
સંગીતક્ષેત્રે મહેનત કરે એનું હીર ઝળક્યા વિના રહેતું નથી..એવું કહેનાર નયન પંચોલી સંગીત ક્ષેત્રે એક જાણીતું નામ છે. દેશ-વિદેશમાં સુગમ સંગીત, ગઝલ તથા ભજનોના કાર્યક્રમો આપી ચૂકેલા નયન પંચોલીના અવાજમાં મુલાયમતા છે, મધુરતા છે અને શ્રોતાઓને જકડી રાખતી ભાવાનુભૂતિ છે. મૂળ અમદાવાદના પરંતુ હાલ મુંબઇ સ્થિત નયનભાઇનો વ્યવસાય કહો, શોખ કહો કે કારકિર્દી જે કહો એ માત્ર સંગીત છે. છેલ્લા 15 વર્ષથી અનુપ જલોટા સાથે તેઓ કાર્યક્રમો આપી રહ્યા છે. 1987માં શ્રેષ્ઠ ગઝલગાયક તરીકે બેગમ અખ્તર એવોર્ડ મેળવનાર નયન પંચોલીને અન્ય નાના-મોટા એવોર્ડ સહિત ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનનો શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ પણ મળ્યો છે. તેઓ ઓલ ઈન્ડિયા રેડિયોના એ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેઓ ખૂબ સારા હાર્મોનિયમ વાદક તથા તબલાવાદક પણ છે. તેઓ કહે છે, `સુગમસંગીતમાં હવે નવા શ્રોતાઓ પણ ઉમેરાયા છે જે આનંદની વાત છે.’

અમર ભટ્ટ
અમર નિરંજન ભટ્ટ…સુગમ સંગીતના પ્રેમીઓ માટે આ જાણીતું નામ છે. શૈક્ષણિક કારકિદીર્ર્માં તેજસ્વી અને વ્યવસાયે એડવોકેટ એવા અમરભાઇને કવિતા અને સાહિત્યમાં પહેલેથી જ પ્રબળ રૂચિ. શાસ્ત્રીય સંગીતની તાલીમ તેમણે ઉ. ગુલામ અહમદ ખાન અને શ્રી કૃષ્ણકાન્તભાઇ પાસેથી લીધી હતી. તો સુગમસંગીત માટેનું પ્રારંભિક માર્ગદર્શન તેમણે ક્ષેમુ દિવેટિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ પાસેથી મેળવ્યું હતું. એ પછી કાવ્યસંગીતમાં પોતીકું ખેડાણ કર્યું. કાવ્યની સ્વરચના તેમજ ગાનમાં આ કલાકારે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે. કવિના શબ્દને પામીને પ્રગટ થતી એમની સ્વરચનાઓ શાસ્ત્રીય રાગદારી, કંઠની સૂરીલી ઋજુતાભરી રજૂઆત ન કેવળ નોંધપાત્ર બલ્કે ધ્યાનાકર્ષક હોય છે જે શ્રોતાઓને તરત પ્રભાવિત કરે છે. `સ્પંદન’ સંસ્થા એમનું સર્જન, જેણે અનેક અવિસ્મરણીય કાવ્યસંગીત કાર્યક્રમો આપ્યા છે. તેમની પત્ની વિરાજ પણ શાસ્ત્રીય સંગીતની ગાયિકા છે. તેમણે દીકરા અગત્સ્યની સ્મૃતિમાં `અગત્સ્ય ફાઉન્ડેશન’ શરુ કર્યું છે  જે સમયાંતરે નિયમિત સુગમસંગીતના પ્રચાર-પ્રસાર માટે કામ કરે છે.

સચીન લિમયે
સચીન લિમયે યુવા પણ પરિપક્વ કલાકાર છે જેમને સુંદર અવાજની કુદરતી બક્ષિસ મળી છે. 1992માં તેમને ભારતમાં બેસ્ટ ગઝલ સિંગર (મેલ) માટે પંકજ ઉધાસ ટ્રોફી મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સચીનની સિંગર તરીકેની ઓળખ એ તેના સર્જનનું એકમાત્ર પાસું છે. સચીન સારા મ્યૂઝિક કમ્પોઝર પણ છે અને ઘણાં મ્યૂઝિક આલ્બમ રજૂ કર્યા છે જે લોકપ્રિય પણ થયા છે. તેઓ પોતાનો એક હાઇટેક રેકોર્ડિંગ સ્ટુડિયો ધરાવે છે જેમાં તેમનું સર્જન એક સુંદર આકાર લે છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રજૂ થયેલ જ્યોતિગ્રામ પ્રોજેક્ટની થીમને સચીન લિમયેએ જ કમ્પોઝ કરી હતી. ઈ-ટીવી ગુજરાતી ચેનલ પર આવતી સુપર સિંગર કોમ્પિટિશન શોમાં પણ તેઓએ કુશળ સંચાલન કર્યું હતું. વડોદરાની એમ. એસ. યુનિ.ની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાંથી એમઇ(ઇલેક્ટ્રોનિક્સ) થયેલ સચીને ક્લાસિકલ વોકલમાં ડિપ્લોમા મેળવેલ છે. અત્યારસુધી સચીને ઘણા બધા થીમ્ડ બેઝ્ડ કોન્સર્ટનું આયોજન કરેલ છે. તેમની શ્રીનાથજી ઉત્સવ, શ્રીમન નારાયણ જેવી વીસીડી તથા ગોપાલા, ક્રિશ્ર્ના કાન્હા જેવી ઓડિયો સીડી ઘણી પોપ્યુલર થઈ છે.

રવિન નાયક
સુગમસંગીતની સૂરસફરને ઘણા અનુભવી અને યુવા કહી શકાય તેવા સ્વરકારો આગળ ધપાવી રહ્યા છે. આ સ્વરકારોમાં વડોદરાના રવિન નાયકનું નામ ચોક્કસ મૂકી શકાય. સુગમ સંગીતને સમર્પિત આ કલાકાર ગાયક, કમ્પોઝર અને મ્યૂઝિક ડાયરેક્ટર છે જે `રે મ પ નિ’ નામની સંસ્થા પણ ચલાવે છે. દેશ-વિદેશમાં ઘણા પ્રોગ્રામ આપ્નાર રવિન નાયકે ગરબા ગાયક તરીકે પણ એટલી જ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. સુગમ સંગીતના મહોત્સવ સમા `સમન્વય’ કાર્યક્રમમાં તેઓનું `કમ્પોઝર ઑફ ધ યર’ એવોર્ડથી સન્માન થયું છે. આકાશવાણી દ્વારા આયોજિત `ઓલ ઈન્ડિયા સંગીત સ્પર્ધા’માં ગ્રૂપ સોંગ કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે વિજેતા થયા છે. કલાસિકલ મ્યૂઝિકમાં શ્રી લક્ષ્મીકાંત બાપટ અને સુગમ સંગીતમાં સ્વ. પરેશ ભટ્ટ તેમજ શ્રી પુરસોત્તમ ઉપાધ્યાય પાસેથી સંગીતજ્ઞાન મેળવનાર રવિન નાયકે ઘણા ગીતો, ગરબા, પ્રાર્થના, કમ્પોઝ કરીને શ્રોતાઓને પીરસ્યા છે. આદ્ય કવિ નરસિંહ મહેતા પર ઘણું સંશોધનાત્મક કામ કરનાર રવિન નાયકે ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા, અખિલ બ્રહ્માંડમાં તુ એક શ્રી હરિ, ગરબે રમવાને ગોરી નિસર્યા જેવા જાણીતા સ્વરાંકનો અને ગરબાઓ આપ્યા છે.

અતુલ પુરોહિત
ગરબાને ટ્રેડિશનલ રીતે રજૂ કરીને પણ લોકપ્રિય કરવામાં સિંહફાળો ભજવનારા ઋતંભરા ગ્રૂપ્ના ગાયક અતુલ પુરોહિત આજે ગુજરાતમાં તથા વિશ્ર્વના ગુજરાતીઓમાં એક જાણીતું નામ બની ચૂક્યા છે. સતત પંદર વર્ષથી પોતાના સૂરના કામણ પાથરી રહેલા અતુલ પુરોહિતે વડોદરાના અન્ય ગાયકો સાથે રહીને પરંપરાગત ગરબાને વિશ્ર્વપ્રસિધ્ધ બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે. તેઓ કહે છે, `ગરબાને ગમે તેવા કોસ્ચ્યુમ પહેરાવો પરંતુ તેની ટ્યૂન તો એ જ રહેવી જોઈએ. ગરબાનું મૂળ સ્વરુપ સચવાવું જોઈએ. ખુશીની વાત એ છે કે વડોદરામાં હજી પણ એ જ રિધમ, સ્ટાઈલ અને શિસ્ત જળવાઈ રહી છે.’ઋતંભરા ગ્રૂપ સાથે તેઓ 15 વર્ષથી વડોદરાના યુનાઈટેડ વે ઓફ બરોડાના ગરબામાં ખેલૈયાઓને તેમના કંઠના કામણથી ડોલાવી રહ્યાં છે. વિદેશમાં પણ તેમની લોકચાહના એટલી જ છે. ઋતંભરા ગ્રૂપ દ્નારા તેમણે માની ચુંદડી, રાસ રમે રસિયો, રમઝટ જેવા 14 આલબમ રજૂ કર્યા છે. આ સિવાય તેઓ સુંદરકાંડના પાઠના કાર્યક્રમો પણ આપે છે. તેઓ કહે છે, `સુંદરકાંડના પાઠથી મારી આખી જીવનશૈલી બદલાઈ ગઈ અને એક નવી વિચારધારા મળી.

વિક્રમ પાટિલ
`ગીત ગાવાથી ગીત નથી બનતું, પણ એની સાથે સંસ્કાર જોડાય ત્યારે એ અર્થસૂચક બનતું હોય છે’ આ શબ્દો છે ગુજરાતના જાણીતા તબલા આર્ટિસ્ટ, કમ્પોસર વિક્રમ પાટીલના કે જેઓએ કેટલીય હિન્દી ફિલ્મોમાં પણ તબલાની સંગત આપી છે. 11 વર્ષની વયે વિશારદ, 15 વર્ષે બરોડા મ્યૂઝિક કોલેજમાં ડિપ્લોમાં અને મ્યૂઝિકમાં જ ગ્રેજ્યુએશન કરનાર વિક્રમ પાટીલ સંગીતકાર જયદેવજીના સહાયક તરીક કામ કરી ચૂક્યા છે. 11 વર્ષની ઉંમરે જ બિસ્મીલ્લાખાન સાથે અને 14 વર્ષની ઉંમરે સિતારાદેવી સાથે સંગત કરનાર આ કલાકારે 17 વર્ષની વયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એ ગ્રૂપ સાથે પહેલું ગીત વગાડ્યું હતું. તેઓ કહે છે કે ભારતીય સંગીત જેટલું સમૃદ્ધ દુનિયામાં કોઈ સંગીત નથી. અજરાળા ઘરાનાનું તબલું વગાડનાર વિક્રમ પાટીલે આર.ડી.બર્મન જેવા ખ્યાતનામ સંગીતકાર સાથે બાર વર્ષ કામ કર્યું છે, તો હોલિવૂડની 10 ફિલ્મોમાં પણ તબલાની સંગત આપી છે. એટલું જ નહીં પણ જ્યોર્જ હેરિસન જેવા હોલિવૂડના દિગ્ગજ કલાકાર સાથે કામ કર્યું છે. પબ્લિસીટીથી અળગા રહેતા આ પ્રતિભાશાળી કલાકાર ગુજરાતી ગીત સંગીત વિશે કહે છે કે,`ગુજરાતી સંગીતમાં ચિંતકોની જરુર છે. યુવા કલાકારોએ સંગીત ક્ષેત્રમાં આગળ આવવા તાલીમ અને રિયાઝને સૌથી વધું મહત્ત્વ આપવું જોઈએ.’

વત્સલા પાટિલ

વત્સલાબેન પાટિલની ઓળખ એટલે મહિસાગરને આરે ગરબો એમ કહી શકાય. મસ્તીભર્યા ગીતો માટે જાણીતા વત્સલાબેનો કંઠ એ એમને કુદરતી બક્ષિસ છે. જોકે મહિસાગરને આરે ઢોલ વાગે સે એ સિવાય પણ તેમણે દેશ રે જોયા દાદા પરદેશ જોયાનું ઓ રાજ રે વાવડીના પાણી ભરવા ગ્યાતા, રાજ-રાજવણનું ટાઈટલ સોંગ, ઊંચી મેડીના ઊંચા મોલ, ધરતીનો છેડો ઘર, મનડાનો મોર, ધૂળકી તારી મને માયા લાગી જેવી કેટલીય સુપરહીટ ફિલ્મોમાં સુપરડુપર હીટ ગીતો ગાયા છે. વત્સલાબેન ગુજરાતી ગીત-સંગીત પ્રત્યે અનહદ લગાવ ધરાવે છે. ગરબાગાયક તરીકે પણ નામના મેળવી ચૂકેલ વત્સલાબેને હારે મા આરાસુરની, નદી કિનારે, શરદપૂનમની રાતડી, મુને એકલી મેલીને રમે રાસ, વિછુડો જેવા ગરબાઓને ગાઈને લોકપ્રિય કર્યા છે. `મહિસાગરને આરે’ એ તેમનું પહેલું જ આલબમ હતું જે સુપરહીટ થતાં એના પરથી જ `મહિસાગરને આરે’ ફિલ્મ બની હતી. તેઓ ગુજરાતના બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) તરીકે પાંચ વાર એવોર્ડ જીતી ચૂક્યા છે.

હેમંત ચૌહાણ
ભજનોની વાત આવે એટલે હેમંત ચૌહાણનું નામ જીભ પર આવ્યા વગર રહે જ નહીં. 1955માં જન્મેલ રાજકોટના હેમંતભાઇ લોકપ્રિય ભજનિક છે. અત્યાર સુધીમાં તેમણે વિવિધ ધર્મોના કેટલાંય ભજનો ખૂૂૂૂબ સુંદર રીતે ગાયા છે. તેમના 600થી વધારે ભજનો તો ગુજરાત, મુંબઇ અને બીજા રાજ્યોના આકાશવાણી કેન્દ્રો પરથી પ્રસારિત થઇ ચૂક્યા છે. એ જ રીતે છેલ્લા વીસ વર્ષોથી દૂરદર્શનના વિવિધ મથકો દ્વારા  રજૂ થતા તેમના લોકસંગીતના વિશેષ કાર્યક્રમો સંગીતરસિયાઓ માણી રહ્યા છે. બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ક્લાસિકલ મ્યૂઝિક શીખવા રાજકોટની સંગીત નાટક અકાદમીમાં પ્રવેશ લીધો હતો. ત્યારબાદ તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોમાં મ્યૂઝિક આર્ટિસ્ટ માટે ઓડિશન આપ્યું હતું જેમાં તેમને એ ગ્રેડ મળ્યો હતો. હેમંતભાઇએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ પ્લેબેક સિંગર તરીકે ઘણાં ગીતો ગાયા છે. જેમાં કેસર ચંદન, સંત સવૈયાનાથ, રામદેવપીરનો વિવાહ, ભાથીજીના મંદિરે, પંખીડા ઓ પંખીડા, માડી જાયા, પંખ વગરના પારેવાં જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિલ્મ પંખીડા ઓ પંખીડા માટે તેમને રાજ્ય સરકાર તરફથી બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો. ભજન અને ગાયકીના ક્ષેત્રમાં તેમણે અપાર લોકચાહના મેળવી છે.

શશાંક ફડનીસ
કલાનગરી વડોદરામાં ગરબાનું તેમજ ગાયકોનું એક આગવું આકર્ષણ છે. વડોદરા શહેરે ઘણા ખ્યાતનામ ગાયકો આપ્યાં છે જેમાનું એક નામ છે શશાંક ફડનીસ. આજે આ નામને કોઈ ઓળખાણની જરૂરત નથી એમ કહીએ તો પણ ચાલે. 15 થી પણ વધારે જેટલાં દેશોમાં ગીત-ગરબાને લગતા પ્રોગ્રામ કરતા શશાંક ફડનીસે વર્ષ 1998 અને 1999 માં `સાદ’ અને `છૂટાછેડા’ ફિલ્મો માટે ગુજરાત સરકાર તરફથી બેસ્ટ મ્યૂઝિક ડાયરેકટરનો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. ડિજીટલ ઓડિયો રેકોર્ડિંગ સ્ટુડિયો ધરાવનાર શશાંક ફડનીસે ગુજરાતમાં પ્રથમ કહી શકાય એવો એડિટીંગ સ્ટુડિયો સ્થાપ્યો છે. આ ઉપરાંત 15થી પણ વધુ સંગીત-ઈન્સ્ટ્રુમેન્ટના વાદક એવા શશાંક ફડનીસે ગરબાગાયક તરીકે સારી નામના મેળવેલ છે.

દિપાલી સૌમેયા
નવ વર્ષની ઉંમરથી જ સંગીત શીખવાની શરૂઆત કરનાર દિપાલીએ પંડિત ડી. કે. જંગમ અને તેમના દીકરા શ્રીકાંતજી પાસેથી કલાસિકલ સંગીત તેમજ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી સુગમ સંગીતની તાલીમ લીધી છે. 1994 માં જગજિતસિંહે તેમની પાસે હિન્દી ગીતો ગવડાવ્યાં હતા જયારે 1996માં મોકસ મૂવીમાં તેમણે ગીતો ગાયાં હતા. આ ગાયિકાએ અત્યાર સુધી મોકસ, મોટા ઘરની લાજ, દેરાણી-જેઠાણી, સિંદૂરની લાજ, પિયુ ગયો પરદેશ, ઢોલો મારા મલકનો, એક વાર પિયુને મળવા આવજે, બેવફા પરદેશી જેવી 70 થી 80 જેવી જાણીતી ગુજરાતી તેમજ હમ તુમપે મરતે હૈ, ઘૂંઘટ, ચોરિયાં જેવી કેટલીક હિન્દી ફિલ્મોમાં પશ્ર્ચાદભૂમાં આલાપ તેમજ ભોજપૂરી ફિલ્મ અને કેટલીક ગુજરાતી સિરિયલોમાં પોતાનો કંઠ આપ્યો છે.  2004માં માં દશામાં નામની ગુજરાતી ફિલ્મ માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ તેને એનાયત કરાયો હતો.

લલિતા ઘોડાદરા
13 વર્ષની ઉંમરથી જ પ્રોગામ આપવાનું શરૂ કરી દેનારા રાજકોટ નિવાસી લલિતાબેન ઘોડાદરા છેલ્લાં 24 વર્ષથી ગાયિકી સાથે સંકળાયેલા છે. બાળપણથી જ તેમણે ગુજરાતી લોકસંગીત-ભક્તિસંગીત ક્ષેત્રે એક અલગ ઓળખ બનાવી છે. દૂરદર્શન, રેડિયો, ટીવી. ચેનલમાં તેમણે ઘણા પ્રોગ્રામ આપ્યા છે, તો કેટલાય જાણીતા કલાકારો સાથે દેશ-વિદેશમાં ઘણા કાર્યક્રમો આપ્યા છે. તેમણે કાંટો વાગ્યો કાળજે, શમણે સાજન સાંભરે, પાલવ ભીની પ્રીત, ગિરનારી નવનાથ જેવી ગુજરાતી ફિલ્મોમાં કંઠ આપ્યો છે. અત્યાર સુધી તેમની 600 ઓડિયો કેસેટ્સ અને 350 જેટલી વિડિયો સીડી રીલીઝ થઈ છે.

અચલ મહેતા
વડોદરામાં ઘર-ઘરમાં જાણીતા તેમજ દેશ-વિદેશમાં પણ પોતાની ગાયકી તથા રાસ, ગરબા અને સુગમ સંગીતને લીધે એક આગવી ઓળખ ધરાવતા અચલ મહેતા છેલ્લાં 30 વર્ષથી આ ક્ષેત્રમાં છે. વિદેશમાં પણ તેમની લોકચાહના એટલી જ છે. વિદેશમાં 24 કલાક ચાલતી ઓનલાઈન રેડિયો સ્ટેશન પર મ્યૂઝિક ડાયરેકટર તરીકે કાર્યરત છે. વર્ષ 2007માં આવેલા તેમના આલ્બમ `માઝમ રાત’એ તે સમયે નવરાત્રિમાં ખૂબ ધૂમ મચાવી હતી. આ સમય દરમ્યાન જ રીલીઝ થયેલું તેમનું બીજું એક આલ્બમ `સમંદર’પણ એટલું જ હિટ નીવડયું હતું. વ્હાલમની વાંસળી વાગી, મા નો ગરબો, શરદ પૂનમની રાતમાં… વગેરે જેવા તેમના હિટ ગરબા છે.

નવી પેઢીનો સૂરીલો અવાજ – પાર્થિવ ગોહિલ

Wednesday, October 28, 2009, 6:10

– વિજય રોહિત

થોડા સમય પૂર્વે જ રજૂ થયેલી હિન્દી ફિલ્મ સાંવરિયાનું પ્રખ્યાત ગીત દેખો ચાંદ આયા પાર્થિવ ગોહિલની રાષ્ટ્રીય સ્તરે ઓળખાણ કહી શકાય. સૂરીલો કંઠ અને સંગીતમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરનાર પાર્થિવે શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય રાગોને આત્મસાત કર્યા છે. સંજય ભણશાલીની જ ફિલ્મ દેવદાસમાં પણ પશ્ર્ચાદભૂમાં જે સૂરીલો આલાપ સંભળાય છે એ પાર્થિવનો જ કામણગારો કંઠ છે. બાળપણથી જ ગીત-સંગીત અને ગાવામાં રુચિ ધરાવનાર પાર્થિવ કહે છે કે, `સ્કૂલ, કોલેજની સંગીત સ્પર્ધામાં હંમેશાં મારો બીજો કે ત્રીજો નંબર જ આવતો, ક્યારેય મારો પ્રથમ નંબર ન આવતો, આ વાતે મને હંમેશાં પ્રોત્સાહન આપ્યું. હું એને હકારાત્મક તરીકે લઈ પ્રથમ નંબરે કેવી રીતે આવવું એ માટે સખત રિયાઝ કરતો. આમ આ ઘટના મારા માટે પ્રગતિનું કારણ બની એમ પણ કહી શકાય.’
જોકે ઝી ટીવીની સા રે ગ મ સ્પર્ધા પાર્થિવ માટે કેરિયરની દ્ષ્ટિએ સૌથી મહત્વની રહી. આ સ્પર્ધા પહેલાં પણ પાર્થિવ શાસ્ત્રીય સંગીતની પં. ઓમકારનાથ કોમ્પિટિશન પણ જીત્યો હતો. ફીલિંગ્સ સાથેની વાતચીતમાં પાર્થિવ કહે છે કે, `સારેગમનો શો શરુ થયો એમાં મને ભાગ લેવાની ઈચ્છા થઈ. એટલે બે મહિનામાં શાસ્ત્રીય સંગીત આધારિત 12 ગીતો તૈયાર કર્યા. સદભાગ્યે મારી આ સ્પર્ધામાં પસંદગી થઈ અને ફાઈનલ સ્પર્ધા પણ હું જીત્યો અને મેગા ફાઈનલમાં રનર અપ થયો. આ શૉમાં બૈજુ બાવરાનું `આજ ગાવત મન મેરો ઝૂમકે’ ગાયું ત્યારે પંડિત જશરાજજી ઝૂમી ઉઠ્યા હતા એ મારા માટે સૌથી ધન્ય ક્ષણ હતી. આ શૉએ મારી કારકિર્દીને નવી દિશા આપી. ત્યારબાદ વિશાલ ભારદ્વાજના સંગીત નિર્દેશન હેઠળ સારેગમ શૉના અંતિમ સ્પર્ધકો સાથેનું એક આલબમ `સપ્ને’ રિલિઝ થયું જે મારું પ્રથમ આલબમ હતું ‘.
પાર્થિવ તેની સૂરયાત્રા આગળ ધપાવતાં કહે છે, `ભોપાલમાં ઝિયા ફરીદુદ્દીન ડાગર પાસેથી ધ્રૂપદની તાલીમ લીધી એના કારણે મારી ગાયકી વધુ સમૃદ્ધ થઈ. સારેગમ બાદ મને લાગ્યું કે આ ક્ષેત્રમાં સફળ થવું હોય તો મુંબઈમાં જ સ્થાયી થવું જોઈએ, આથી મુંબઈને મારી કર્મભૂમિ બનાવી દીધી. ત્યારબાદ તો સંજય લીલા ભણશાલી, મોન્ટી શર્મા, ઈસ્માઈલ દરબાર જેવા સંગીત નિષ્ણાતો પાસે રહીને સંગીતની ઘણી બારીકાઈને હું શીખ્યો. દેવદાસ અને સાંવરિયા જેવી ફ્લ્મિમાં ગાવાનો મોકો મળ્યો એ કોઈ સપ્નાથી કમ નથી. એટલું જ નહીં ઝી ટીવી ગુજરાતી દ્વારા સારેગમનું સંચાલન કરવાનો જે મોકો મને મળ્યો એના કારણે હું ગુજરાતી ગીત-સંગીતની ઘણો નજીક આવી શક્યો. કેટલાય નવા સુંદર ગીતો અને આ ક્ષેત્રના તજજ્ઞો પાસેથી નવું જાણવા, શીખવા મળ્યું.’
ઉપશાસ્ત્રીય રાગો પર આધારિત`બંદિશ’ એ પાર્થિવનું પહેલું સોલો આલબમ છે જેમાં તેની ગાયકી અને શાસ્ત્રીય સજ્જતાનો અહેસાસ માણવા મળે છે. તો 1999માં મેગ્ના સાઉન્ડ તરફથી ગુજરાતી ગઝલ આલબમ પણ રિલિઝ થયું છે.  પુરષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં `મેં તજી તારી તમન્ના’ આલબમમાં પણ પાર્થિવે સૂર આપ્યો છે. આ ઉપરાંત `રંગાઈ જાને રંગમાં’ જેવી ફિલ્મો, મૈત્રીકરાર, દિલ હૈ કી માનતા નહી, સરસ્વતીચંદ્ર, કહાની તેરી મેરી, બા, બહુ ઔર બેબી જેવી સિરિયલ્સ તથા ખેલૈયા, સગપણના સોદાગર, સરસ્વતીચંદ્ર અને અમે અહમના રાજારાણીમાં પોતાના સૂરો વહાવનાર પાર્થિવે રાગદર્શન, રસબરસે, સૂરગુલાલ જેવા લાઈવ શૉમાં પણ સૂરાવલી રેલાવી છે.
`આકૃતિ’નામનું નવું બેન્ડ શરુ કરનાર પાર્થિવ ગોહિલ તેના વિશે માહિતી આપતાં કહે છે કે,`આ બેન્ડ એક નવા પ્રકારનો પ્રયોગ છે જેમાં અમે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, ધ્રૂપદ, લોક, જાઝ, રોક વગેરે સંગીત રજૂ કરીએ છીએ. જેમાં  આસામી, રાજસ્થાની, કર્ણાટકી સંગીતથી લઈ ગુજરાતી દુહાનો પણ સમાવેશ થયેલો છે, એ દ્ષ્ટિએ આ બેન્ડ જુદું પણ છે અને એમાં કલાસિકલ ટચ વધારે છે. ફયૂઝન મ્યૂઝિકના આ પ્રયોગને લોકો આવકારી રહ્યા છે.’ આ ઉપરાંત નવભારત કોમ્યુનિકેશન દ્વારા `પૃથ્વીના પ્લેટફોર્મ પર’ ગુજરાતી આલબમમાં હાલરડાંથી મરશિયાં સુધીના સુંદર ગીતોનું કલેકશન છે જેમાં પાર્થિવના સ્વરની સુગંધ ભળી છે. સ્વભાવે સૌમ્ય પાર્થિવ આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ ઘણો સરળ છે. તાજેતરમાં જ રિલિઝ થયેલી બે હિન્દી ફિલ્મો કિસાન અને વાદા રહામાં પણ પાર્થિવે સૂરના કામણ રેલાવ્યા છે. યુવાપેઢી માટે પ્રેરણારુપ પાર્થિવને `ફીલિંગ્સ’ તરફથી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા.

Advertisements

One Response to “પ્રસિધ્ધ સંગીતકારોનો પરિચય”

  1. તારી આંખનો અફીણી « વિચાર જગત Says:

    […] https://ishumeet.wordpress.com/2010/05/05/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A7%E0%A… […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: